"બા"- ખુશીઓનું સરનામું -5બા ગુજરી ગયા એને મહિનો થયો. અરે જતા જતા કેવી જીંદગી જીવતા ગયા, કોઈએ કાંઈ ધ્યાન જ ના આપ્યું. ઘરની બહાર ડેલી પાસે એકલા પડ્યા પડ્યા એમ જ ઉકલી ગયા. શું થાય પણ એનું મગજ જ એવું થઈ ગયું હતું. ગામડે એકલું રહેવાની જરૂર જ શું હતી? કોઈ સાથે સરખું ભળતું હોય તો કોઈ ધ્યાન આપે ને? 

વહુ દીકરા આટલું સાચવે તો પણ કચકચ. શહેરમાં દિકરાઓને કેવું સારું હતું, ત્યાં પણ નો ટક્યા. શહેરમાં ખબર નહિ વાંધો શું હતો, ત્રણ ટાઈમ સરસ ગરમાં ગરમ જમવાનું મળી રહેતું, સુવા ઓરડો મળી રહેતો બીજું જોઈએ શું? શરૂઆતમાં તો આવ્યા પણ એક મહિનામાં તો ગામડે પાછું જવા ઘર માથે લીધું.

આજે બાને ગુજરી ગયાને મહિનો થઈ ગયો હતો. કોરોનાના લીધે શહેર આખું ગામડે આવ્યું હતું. હા બાની જ ડેલીએ બેઠા બેઠા દીકરાઓ અને વહુઓ આવી કંઈક વાતો કરતા હતા. આજે તો હજુ પહેલો જ દિવસ હતો. ગામડું વહુઓ માટે નવું હતું. બંને વહુઓ શહેરમાં નોકરી કરતી હતી. દીકરાઓ તો ધંધામાંથી આટલા વર્ષે નવરા થયા હતા. અરે બા પાછળનું ક્રિયાકર્મ પણ બે દિવસમાં પતાવીને શહેર જતા રહ્યા હતા.

આજે બધાને સમય મળ્યો છે , પણ બા નથી. આજે કોરોનાવાસને એક મહિનો થયો. બધા ઘરમાંને ઘરમાં છે. વહુઓ ઘરમાં ને ઘરમાં કંટાળી ગઈ હતી. ગામડે તોપણ થોડી છૂટછાટ હતી પણ વહુઓને કોઈ ઓળખતું નહતું જવુ ક્યાં? બધાના મગજ ધીમે ધીમે બગડવા લાગ્યા હતા. મોટી વહુમાં તો ક્યારેક બા આવી જતા અને શહેર જવાની જીદ કરતા.

મોટો અગાસીએ સૂતો હતો. ક્યારેક ક્યારેક ઠંડા પવનની લહેરકી આવતી હતી. પાસેથી તમરાઓનો અવાજ અને દૂરથી ક્યાંક નિશાચારી પક્ષીઓના અવાજ સંભળાતા હતા. પણ મનમાં કૈક અલગ જ અવાજ આવતા હતા અને એટલે ઊંઘ આવવાનું નામ લેતી ના હતી. એને એનું બાળપણ યાદ આવ્યું. બા યાદ આવ્યાં. કેવા પ્રેમાળ બા હતા. સવારે 5 વાગે તો શિરામણ તૈયાર થઈ ગયું હોય. પછી બંને ભાઈઓને ઉઠાડે, સવારે મોઢું ધોઈને રસોડામાં આવે ત્યારે  ભાખરી અને તાજું બનાવેલું માખણ પ્લેટમાં તૈયાર જ હોય. ભેગું ભાતું પણ બની ગયું હોય. છોકરાવને નિશાળે મૂકી પોતે ખેતરે બાપુજીને મદદ કરવા જાય. બંને ભાઈઓ નિશાળેથી સીધા ખેતરે આવે, પરિવાર સાથે જમે. થોડું કામ કરી સાંજના ઘરે આવે. ઘરે આવતા જ બળતણ શોધી ચૂલો પ્રગટાવી વાળું આદરે. વાળું કરીને બાપુજી બજારે જતા રહે અને બા બીજી સ્ત્રીઓને બોલાવી સત્સંગ કરે. ગીતાજીના પઠન કરે, રામાયણ, ઓખારણ સાંભળવે ક્યારેક પોતે પણ વાંચવા બેસી જતો. 

 બા હંમેશા ખુશ જ હોય. વાતું પણ ડાહી ડાહી કરે. ખાલી આજુબાજુમાં જ નહીં, આખા ગામમાં કોઈને કાઈ સલાહ જોઈતી હોય તો બા પાસે આવે. બા એ વખતનું 4 ભણેલી. આજુબાજુના ઘરની ચાવીઓ તો બા પાસે જ હોય. જ્યાં સુધી બંને ભાઈઓ કામે ના લાગ્યા ત્યાં સુધી બા ખેતીમાં ય બાપુજીને પુરી મદદ કરતી. 

પણ બાપુજીના ગયા પછી જમીન તો સાખે આપી દીધી હતી. બંને ભાઈઓ તો શહેરમાં સુખી હતા. બા ગામડે એકલા પડી ગયા હતા એટલે બાને શહેરમાં લાવ્યા. શરૂઆતમાં તો કઈ વાંધો નહતો પણ દશેક દિવસમાં બા ગામડે પાછું જવા માટે કહેવા લાગ્યા અને મહિના પછી તો જીદે ચડ્યા હતા. પણ આજે એ બાને સમજી શકતો હતો. કોરોનાવાસમાં ઘરમાંને ઘરમાં રહી વહુઓના મગજ પણ ખરાબ થઈ ગયા હતા તો બા માટે તો પારકું શહેર હતું. એમાં પણ આંગણાં વગરનું બાલ્કનીવાળું ઘર. પતિ પત્ની બંને નોકરીએ જતા રહે, બા એકલા ઘરમાં ને ઘરમાં. બહાર કાંઈ ખબર પડે નહીં તો આંટો મારવા પણ ક્યાં જાય. અને જાય તો પણ ઓળખીતું તો કોઈ ના મળે, સામું જોઈને હસે બધા પણ અંગત કોઈ ના મળે. આ બાજુ આખું ગામ એમનું અંગત !  એક મહિનો એકલા એ ઘરમાંને ઘરમાં ઉપરથી કાંઈ કામ નહીં કરવાનું. કૈક વાંચવા બેસે તો આંખો સુજી જાય, ટીવીના રિમોટમાં જ  કઈ ગતાગમ ના પડે.  સાંજે પતિ પત્ની આવીને વાળું કરીને ટીવી જોવા બેસી જાય અને પછી સુઈ જાય. કોઈ વાતું કરવાવાળું નહીં, બા બસ એમ જ બેઠા રહે. કદાચ એના ગામને, ઘરને, બાપુજીને આંગણાંને યાદ કર્યા કરે.

અહીં કોરોનાવાસમાં તો ચાર જણા સાથે છીએ. ઉપરથી ટીવી પર રામાયણ મહાભારત અને બીજા પ્રોગ્રામ, મોબાઇલની ગેમ્સ, ચોપડીઓ, ચાર જણાનું કામ તો પણ કામ વગર મગજ ખરાબ થાય છે તો બા માટે એ મહિનો કેવો ભયંકર કોરોના વાસ રહ્યો હશે! હવે સમજાય છે કે ત્રણ ટાઈમ ગરમાં ગરમ જમવાનું મળી રહે, સુવા રૂમ મળી રહે તો પણ બીજું શું જોઈએ !!
અને મોટો સવારે એમ જ સુતા વગર ઉઠી ગયો.
--
કદાચ આ કોરોનાવાસ વખતે બા બાપુજી, દાદા દાદી સાથે રહેવાનો સમય મળ્યો હોય તો એમની સાથે બેસજો વાતો કરજો. તમારા માટે આ થોડો સમય ઘરમાં રહેવાનું છે પણ મોટા ભાગના વૃદ્ધો માટે આ ઘરવાસ બહુ લાંબા વરસો સુધી હોય છે .

તમને આગળના ખુશીઓના સરનામાંના ભાગ વાંચવા પણ ગમશે - 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.