લોકડાઉનમાં દાંતનો દુખાવો

15 એપ્રિલની મોડી સંધ્યાએ એટલે કે 16 એપ્રિલે 30માં જન્મદિવસે મુખના જમણી બાજુના હરોળના છેલ્લી દાઢમાં એટલે કે ડહાપણ દાઢમાં દુખાવો શરૂ થયો. કદાચ ઉંમરની સાથે સાથે ડહાપણ બહુ વધી ગયું હશે ! 2020માં આમપણ મુસીબતો ઓછી હતી કે એક વધુ આવી.

શરૂઆતમાં તો હળવાશથી લીધું. આની પહેલા પણ મેથીના કે કાળીજીરીના ભુકાથી મટી ગયેલું તો એ જ સફળ ઉપાય અજમાવવા માટે સંમત થયા. હજુ ઘર હમણાં જ શિફ્ટ કર્યું હોય, ઘરમાં જરૂરિયાત પૂરતી જ વસ્તુઓ છે. હવે આમાં આ કાળી જીરી ક્યાંથી મળે? કદાચ પીઝામાં ઉપરથી ભભરાવીને ખવાતી હોત તો ચોક્કસ મળત. પણ સદભાગ્યે મેથી મળી ગઈ અને એનો ભૂકો દાઢ પર દબાવ્યો, થોડી રાહત લાગી. પણ થોડી વખતમાં પાછું હતું એનું એ.

વળી યાદ આવ્યું, મિત્ર ડોકટરે વરસો પહેલા એક પેઈન કિલર સજેસ્ટ કરેલી અને એનાથી એક જ ગોળીમાં મટી ગયેલું. દવાનું બોક્સ ફંફોસતા મળી તો ખરી પણ એક્સપાયર્ડ. કહેવાય છે ને કે મુસીબતો આવે ત્યારે એક સાથે આવે. બીજા દિવસે એ ગોળીઓ લાવ્યો પણ દુખાવો સતત ચાલુ રહ્યો.

મમ્મીના સજેશન પ્રમાણે લવિંગના તેલથી મટી જવું જ જોઈએ. એમનો કોન્ફિડન્સ જોતા મને પણ કોન્ફિડન્સ આવ્યો. આ લોકડાઉનના માહોલમાં મને આમ પણ કોઈ ક્લિનિક જવાનું મન નહોતું અને બધા ડેન્ટિસ્ટ આમ પણ બંધ જ હતા. રવિવાર હોય નજીકના મેડિકલ સ્ટોર બંધ હતા તો વિચાર્યું કરિયાણાની દુકાનેથી લવિંગ તો લાવી જ શકાય. લવિંગ અને  કાલીજીરી સાથે પેઈન કિલરના ઉપચાર થયા. દિવસે આરામ રહ્યો પણ રાતે દુખાવો અસહ્ય બન્યો. મીઠાના કોગળા, લવિંગ, કાલીજીરી, મેથીનો પાવડર સબકુછ ટ્રાય કરેગા રે તેરા અંકિત. 

ઊંઘ આવતી નહોતી એટલે થયું આપણે જ ગૂગલમાં રિસર્ચ કરી લઈએ. રિસર્ચ કરતા એક સરસ વાર્તા (વાત) મળી. ડહાપણ દાઢની પાછળના ભાગ અને પેઢા વચ્ચે જગ્યા હોય છે જે ઘણી વખત સરખું ક્લીન થતું નથી. એટલે એમાં ધીમે ધીમે બેકટેરિયા વધતા જાય છે. જ્યારે આ બેકટેરિયાનું પ્રમાણ વધી જાય ત્યારે થોડો દુખાવો થાય છે. મીઠાવાળા પાણીના કોગળા કે લવિંગ ઓઇલ લગાવીએ એટલે ફરીથી બેકટેરિયા કન્ટ્રોલ થઈ જાય અને દુખાવો મટી જાય. પણ જો આ બેકટેરિયાનું પ્રમાણ વધી જાય તો તેઓ ભેગા થઈને દાઢ પર એટેક કરી એમાં કાણું પાળી દયે છે. પછી સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. આ બેકટિયા પેઢા સુધી ઘૂસવાની કોશિશ કરે એટલે દુખાવો થતો રહે. 

રાત્રે મારો દુખાવો પણ અસહ્ય થતો જતો હતો. મેં ફરીથી કાલીજીરી મેથી પાઉડર દબાવ્યો. અંદર સુધી પાઉડર  જાય એ માટે થોડું દબાવ્યું તો ઘણું લોહી નીકળું. લોહી નીકળ્યા બાદ તોફાન પછીની શાંતિ થઈ ગઈ.  જીંદગીભરની ફિલોસોફી એ રાત્રે આવી કે જીંદગીમાં ગમે એટલા દુઃખ આવે પણ એક ચરમસીમા પછી એને જવું જ પડશે. આ કોરોના પણ એક દિવસ ચરમસીમાએ પહોંચશે અને પછી નાબૂદ થઈ જશે. પણ હજુ મુખ્ય દુઃખ તો બાકી હતું.

બીજે દિવસે ફરીથી પાછળના અંધારિયા ખુણામાં ભૂત ધુણ્યું. ડોકટર મિત્રને ફોન કરી પરિસ્થિતિ વર્ણવી. એમને કહ્યું પરિસ્થિતિ જોતા ડેન્ટિસ્ટ પાસે જ જવું પડશે પણ ત્યાં સુધી આ દવા લે. એમને કહેલી દવા હું લઈ આવ્યો સાથે લવિંગનું તેલ પણ લાવ્યો. સાથે કોઈ ડેન્ટિસ્ટ ખુલા હોય તો એ પણ ચક્કર મારી આવ્યો. લવિંગના તેલના પોતા અને દવા શરૂ કરી. દુખાવો સાવ ગાયબ. જાણે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ ફાઇનલ જીત્યા હોય એવો આનંદ થયો. થયું મિત્ર ડોકટરને અડધું રાજ્ય આપી દવ. (હોત તો) પણ પણ આ 2020 ચાલે છે. જેવી દવા પુરી થઈ કે ફરી દુખાવો શરૂ.

હવે ડેન્ટિસ્ટ એક જ ભગવાન દેખાયા. ફરી ડેન્ટિસ્ટને શોધવા બાઇક ઘુમાવ્યું. હવે  કોરોના કરતા આ દાંતનું કાંઈક કરવું વધુ મહત્વનું હતું. ત્યાં એક હોસ્પિટલ દેખાણી. થયું ત્યાં જઈને વાત તો કરીએ, કોઈ પણ ડોકટર થોડું જોઈ દયે બસ ! સાલા કોરોનાના ચક્કરમાં બીજી બીમારીઓને કોઈ ભાવ જ નથી આપતું. હોસ્પિટલે પૂછ્યું તો એમની પાસે ડેન્ટિસ્ટ હતા સાંજે આવવા કહ્યું. સાંજે ડેન્ટિસ્ટએ ચેક કરી કહ્યું ઇન્ફેક્શન બહુ જ વધી ગયું છે, દાઢ તો કાઢવી જ પડશે ત્યાં સુધી દવા લખી આપી. દવા પીધીને જાણે દુખાવો ગાયબ ! મને એ ડેન્ટિસ્ટમાં દેવી દેખાણી. હવે એક્સ રે ને બધું કરાવ્યું. મેં સ્મિતાની બંને દાઢ કાઢતા જોયેલી, બહુ કાંઈ વાંધો આવ્યો નહતો એટલે હું થોડો કોન્ફિડન્સમાં હતો. 

એ દિવસે એટલે કે 28 એપ્રિલનો ગોઝારો દિવસે મારા, સ્મિતાના, ડોકટરના, સર્જનના બધાના એગ્રીમેન્ટ વચ્ચે દાઢ કાઢવાનું બિલ પાસ થયું. એ સમય આવ્યો જ્યારે હું ડેન્ટિસ્ટની ખુરશી પર સૂતો હતો. એક બાજુ આસિસ્ટન્ટ ડોકટર હતી બીજી બાજુ સર્જન હતી, બંનેની વચ્ચે હું. સ્મિતાથી  સર્જરી અને લોહી બહુ જોઈ ના શકાય પણ એ મને ત્યાં એકલો નો છોડી શકી. પણ આ બધું બાહ્ય આકર્ષણ હતું.

ઇન્જેક્શન આવ્યું, સર્જરી ચાલુ થઈ. પહેલા તો બધું ગુડ લાગ્યું પણ પેલું ખોટું કરવાની દવા બહુ અંદર સુધી કામ કરતી નહોતી. ડોકટરે કોન્ફિડન્સમાં આવી દાઢ ખેંચી અને જે દુખાવો થયો છે. થયું દાઢ પહેલા આત્મા નીકળી જશે. અરે આટલો દુખાવો તો ચુપકે ચુપકે મૂવીમાં પરેશ રાવલને પણ નહીં થયો હોય. મેં વચ્ચે પ્રોસેસ અટકાવી અને પૂછ્યું બીજો કોઈ પ્લાન છે?  ડોકટર કહે દાઢને કાપીને કાઢવી પડશે. અને બીજી કે ત્રીજી વખત ઈન્જેકશન આપી મિશન શરૂ થયું. સાથે સાથે મોઢું ખુલ્લું રાખો મોઢું ખુલ્લું રાખો એમ સંભળાતું હતું જાણે કૈક રેલવે સ્ટેશનમાં એનાઉન્સમેન્ટ થતું હોય. અવનવા દાંત કટર આવ્યા, નાના મોટા પકડ આવ્યા, નાની મોટી સોઈના ઇન્જેક્શન આવ્યા.(ડોકટર - મુજે રિકસ લેના હી નહિ હે બાબા) અને ઓપરેશન આગળ વધ્યું. પછી એમને કદાચ થયું આ બે જણનું કામ નથી કે પછી અત્યારે હોસ્પિટલમાં ડોકટરો નવરા હોય કોઈ ત્રીજા ડોકટર આવ્યા. એની પાસે ટોર્ચ પકડવાની એક્સપરટાઈઝ હતી અને એમના સહિયોગથી પછી દાઢ આસાનીથી નીકળી ગઈ. આ ગૂઢ ઓપરેશન લગભગ દોઢેક કલાક ચાલ્યું. મારા માટે તો લગભગ દશેક કલાક. ઘરે આવી કામ કરવાનું વિચારેલું પણ મેનેજરને કઈ જાણ કર્યા વગર જ સુઈ ગયો.



સ્મિતા કહે આટલા ડોકટર તો પ્રેગનન્સીમાં પણ ના જોય , મેં કહ્યું આટલો દુખાવો ય પ્રેગ્નન્સીમાં નહિ થતો હોય.. સાલી આ દાઢ કાઢવાની પ્રોસેસ ય ક્યાંક નરકમાં અપાતી પીડાઓમાંથી જ આવી હશે !

આ બ્લોગ પસંદ હોય તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.


6 ટિપ્પણીઓ:

  1. વધારે માં વધારે 5 થી 10 મિનિટ લાગે..પણ આ તો દોઢ કલાક બાપ રે....!

    જવાબ આપોકાઢી નાખો
  2. મેં બે ડહાપણ ની દાઢ કઢાવી છે. હજી બે કઢાવવાની છે... પણ ઘણા સમયથી ડાહી થઇ ને શાંતિ થી સૂતી છે ... જ્યારે વધારે હેરાન કરશે ત્યારે વાત....😁

    જવાબ આપોકાઢી નાખો
  3. ના આની પહેલા મારી પત્નીની 2 ડહાપણ દાઢ કઢાવેલી, એકમાં 40 મિનિટ અને બીજામાં કલાક લાગેલ....મૂળિયાં મજબૂત અને ત્રાસા હોય નીકળે જ નહીં

    જવાબ આપોકાઢી નાખો

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.