છ મહિના વર્ક ફ્રોમ હોમ

 વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી છ મહિનાથી કામ ચાલુ છે. આમ તો 15 માર્ચથી જ કંપનીએ વર્ક ફ્રોમ હોમ આપી દીધેલું. ત્યારે થયેલું અઠવાડિયા માટે માંડ ચાલશે પછી લોકડાઉન લાગુ પડ્યું, લોકડાઉનની મુદતો વધતા વધતા 3 મહિના ચાલ્યું. લોકો ધંધા વગરના થઇ ગયા, મજૂરોની સમસ્યા આવી, રોજગારીની સમસ્યાઓ વધી,અમુક મિત્રોએ નોકરી પણ ગુમાવી અને અમુકને થોડા મહિનામાં વધુ સારી નોકરી મળી પણ ગઈ. પગારમાં ઘટ  પણ આવી. સારું કહો કે ખરાબ, ઘરેથી કામ કરવામાં કામના કલાકો વધતા રહ્યા પણ વધુ કાંઈ ફરિયાદ  અમારું લેપટોપ અને મગજ ચાલતું રહ્યું. 


છ મહિના વર્ક ફ્રોમ હોમ


આજે હવે લોકડાઉનના નિયમો સાવ હળવા થઇ રહ્યા છે.  બહાર આંટો મારો તો માસ્ક અને સેનિટાઇઝરના સહારે બધું નોર્મલ લાગી રહ્યું છે. કોરોનનો ભય  ઘટી રહ્યો છે. અમુક અમુક સ્થળોએ ફરીથી મેદની ઉમટી રહી છે. પોલિટિશિયનો રેલીઓ કરી રહ્યાં છે (અને કોરોના પોઝિટિવ પણ થઈ રહ્યા છે). આઇપીએલ શરુ થઇ ગઈ છે. બોલીવુડમાં સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી  ડ્રગ્સને લઈને અફરાતફરી ચાલે છે. 


કોરોનાના કેસ પણ સતત બધી રહ્યા છે. આ સમય દરમિયાન ઘણા સ્વજનોને કોરોના થયો , 15-20 દિવસે રિકવર થયા, બધાના અલગ અલગ અનુભવો સાંભળ્યા તો ઘણા સ્વજનોને ગુમાવ્યા પણ ખરા. ઘણા સેલિબ્રિટીઓ કોરોનામાં ગુમાવ્યા, લખું છું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને એમની પત્ની કોરોના પોઝિટિવ હોવાનું આવી રહ્યું છે. લોકો હવે જે થવાનું હશે એ થશેનું વલણ રાખીને જીવી રહ્યા છે. હજુ કોઈ રસી શોધાઈ નથી દવાઓ આવી છે પણ ડેથ રેટ લગભગ એટલો જ છે. બીજી બીમારીઓ ધરાવતા 50 વર્ષ ઉપરના વ્યક્તિઓ માટે બચવું થોડું અઘરું છે. 


આ બધા વચ્ચે ઘરેથી જ કામ કરવાને છ મહિના થઇ ગયા છે. અત્યારે ડિબેટો ચાલી રહી છે કે શું હંમેશા માટે વર્ક ફ્રોમ કરી શકાય ? વર્ક ફ્રોમ હોમના અનુભવો કેવા રહ્યા ?  મારા માટે વર્કફ્રોમ હોમની સાથે સાથે કમ્પની પણ નવી છે  એટલે કામ, લોકો બધું અલગ જ હતું. હું નવી કમ્પનીની ઓફિસમાં હજુ 15 દિવસ માંડ ગયો હોઈશ.  પછી સાડા છ મહિનાથી ઘરેથી જ કામ ચાલે છે. આ છ મહિનામાં ઘણા બધા સારા નસરા અનુભવો થયા. હેલ્થની વાત કરીએ તો વચ્ચે દાંતનો દુખાવો થયો અને દાઢ કાઢવી પડી, વડોદરાથી રાજકોટ આવ્યો ત્યારે શરૂઆતમાં તાવ આવ્યો અને કોરોનનો ડર  લાગ્યો. નિયમિત કસરત માટે સમય ના મળતા વજન પણ થોડો વધ્યો. આટલા મહિનાઓ સુધી મેં ક્યાંય પણ ટ્રાવેલ બ્રેક લીધા વગર પહેલી વખત કામ કર્યું હશે. 


વર્ક ફ્રોમ હોમના ફાયદા - 

 •  ઓફિસે જવા આવવાનો સમય બચે અને સમય કરતા વહેલું કામ શરુ કરી શકો. મારી વાત કરું તો હું ક્યારેક નવ વાગે ઉઠું તો પણ દશ  વાગ્યા સુધીમાં લેપટોપ ચાલુ કરી દવ. 
 • જો કે આ મુદ્દો દરેક માટે અલગ અલગ હશે પણ ઘરેથી કામમાં વધુ કલાક ફાળવી શકાય. ઓફિસેથી ઘરે  આવીને જે થાક લાગે એ થાક ઘરેથી કામમાં ના લાગે. ઉપરથી મિટિંગોના સમય અનુસાર કામના કલાકો બદલાવી શકાય. મારે મોટા ભાગે સાંજે જ મીટિંગ્સ હોય એટલે એ પ્રમાણે કામના કલાકો ફિક્સ કરી શકું. જો કે ક્યારેક કામ વધુ તો એટલી ફ્લેક્સિબિલિટી ના લઈ શકો. 
 • કપડાંની જંજટ નહીં, નાઈટડ્રેસમાં કમ્ફર્ટ સાથે કામ થઇ શકે. હમણાં જ ઓનલાઇન નવા નાઈટ ડ્ર્સ મંગાવ્યા .. હા હા 
 • સેલ્ફ લર્નિંગ વધે, બધું તમારે જાતે શીખવું પડે. ઓફિસમાં ક્યાંક અટકો તો જેને આવડતું હોય એની પાસે બેસીને તરત કામ કરાવી શકો. અહીં તમારે જાતે થોડું મથવું પડે, ના થાય ત્યારે કોલ કરી શકો. આમ પણ હું ક્યાંક ફસાવ તો સીધું કોઈ પાસે જવું ના ગમે , આપણાથી થાય એટલું કરી જ લઈએ.
 • મારા માટે, ઘરેથી કામમાં ફોક્સ વધે છે, ઓફિસમાં મદદ માટે કે વાતો કરવા સહકર્મીઓ આવ્યા કરે અને આપણા કામમાં  ફોકસ ના રહે. 
 • ખોટી એકબીજાની કૂથલીઓ , ઓફિસ પોલિટિક્સ ઓછું થાય 
 • તમારા ઘરના અગત્યના  કામો હોય તો વચ્ચેના સમયમાં કરીને ફરીથી તમે કામ પર બેસી શકો. ફૂલ ડે , હાફ ડે  લેવાની જરૂર નહીં. 
 • ઘરનું ગરમ ગરમ જમી શકો .. હાહા !  સવારમાં ઉઠીને ટિફિન બનાવવા માટે દોડધામ રહેતી નથી. 
 • કોરોનાથી સંક્રમિત થવાની શક્યતાઓ ઘટે.
આમ તો બીજા ઘણા ફાયદાઓ છે , કોઈ માટે ફાયદા હોય તો બીજા માટે એ નુકશાન પણ છે. 

વર્ક ફ્રોમ હોમના ગેરફાયદાઓ - 
 • ઘણા ઓવર વર્ક હોલિક મેનેજર્સ/બોસ  એવું માનવા માંડે છે કે તમે 24 કલાક અવેલેબલ છો 
 • ઘણા લોકો બાળકો હોય કે બીજી ઘરની સમસ્યાઓ કે કામના લીધે કામમાં ફોકસ કરી શકતા નથી.  
 • ઇન્ટરનેટ અને વીજળીના ખર્ચાઓ વધે છે ... આ ઉપરાંત ચા કોફી. જો કે ઘણી કામનીઓ ઇન્ટરનેટના ખર્ચ  રિએમ્બર્સ કરી આપે છે. બીજી ઘણી ઓફિસની સવલતો મળતી નથી (જિમ , કેન્ટીન, મિટિંગ રૂમ્સ, પ્રોપર વર્ક ડેસ્ક ) 
 • કોઈક મિટિંગ કે ઈમ્પોર્ટન્ટ મેઈલ મિસ થઇ જાય તો ખબર પડતા બહુ મોડું થઇ જાય. જયારે ઓફિસમાં કૈક ઈમ્પોર્ટન્ટ આવે તો ચર્ચાઓ થતી હોય. 
 • ઘરે વર્ક ડેસ્ક કે જગ્યા ઓછી હોય તો લાંબા સમય સુધી વર્ક ફ્રોમ હોમ કરવાથી શરીરમાં બીજી સમસ્યાઓ થઇ શકે છે. 
 • નિયમિત કસરત અને બીજા કામો માટે સમય ફિક્સ કરવો પડે ( બાકી કામ કરવામાં સમય ક્યાં જતો રહે ખબર જ ના પડે )
 •  ઘરે ને ઘરે રહીને ક્યારેક કંટાળો આવે.સહકર્મીઓ સાથે કામ સિવાય વાત ઓછી થાય એટલે એટલી દોસ્તી ના રહે. 
મારા મતે લોકોના સ્વભાવ અને પરિસ્થિતિ પ્રમાણે વર્ક ફ્રોમ હોમના ફાયદા કે ગેરફાયદા હોય શકે. ઘણા લોકો વર્ક ફ્રોમ હોમના લીધે પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં રહી શકે છે. ખાસ કરીને બેંગ્લોર જેવા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થાય છે એટલે પ્રદુષણ પણ ઓછું થાય છે અને સમયનો પણ બચાવ થાય છે. જોઈએ હવે આગળ શું થાય છે, હજુ કેટલો સમય ઘરેથી કામ કરવાનું છે અને કેટલો સમય આ કોરોના સામે લડવાનું છે.

તમને આ આર્ટિકલ્સ પણ ગમશે -

 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.