માઁ નર્મદાના ખોળે

ધ્રુવ દાદાની તત્વમસિ વાંચી હોય અને રેવા ફિલ્મ પણ જોયું હોય અને તમને માઁ નર્મદાના ખોળે  3 દિવસ રહેવાનો મોકો  મળે તો કોઈ ગુમાવે ખરો? બસ આ મોકો મેં પણ ના જવા દીધો. આ કેમ્પમાં શું પ્રવૃતિઓ હશે, રહેવા,જમવાની વ્યવસ્થા કેવી હશે, સ્થળ સુધી કેમ પહોંચવું વગેરે કાંઈ પણ ખબર નહોતી પરંતુ જવાનું નક્કી કરી નાખ્યું. 


રાજકોટથી પ્રયાણ  -
આમ તો હું ક્યાં સ્થળે કેવી રીતે ગયા વગેરે એક બે લીટીમાં જ લખી નાખું છું પરંતુ આ વખતે અનુભવ યાદગાર રહ્યો. અમે ચાર જણા હતા, રાજકોટથી વડોદરા માટે "આપણી" એસટીની સ્લીપર બસ બુક કરેલી. આમ તો અમને એસટી પાસેથી કાંઈ જ સારી અપેક્ષા નહોતી પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે બસ જ ના આવી! ના આવી તે ના જ આવી અને બીજી કોઈ બસનો ઓપ્સન પણ નહીં. આખરે ના છૂટકે પ્રાઇવેટમાં જવાનું નક્કી કર્યું, ત્યાં પણ કાંઈ વખાણ કરવા જેવું ના હતું, અમે આમેય મોડા થઈ  ગયા હતા અને ઉપરથી એમની બસ પણ કલાક મોડી  આવી, થયું હાંસ આવી તો ખરી! પરંતુ એમ વડોદરા આવી જાય તો શું જોઈતું હતું, અમદાવાદમાં કલાકો ફેરવ્યા પછી કહે કે હવે તમારે બીજી બસમાં જવું પડશે, એની રાહ જોઈ અને વધુ ને વધુ મોડા પડ્યા. એમાં અમે બુક કરેલ ટેક્સી બીજા લોકોને લઈને જતી રહી. આખરે ટેક્સી વાળા સાથે 25-30 કોલ કરી ટાઈમ પાસ કરીને 2 કલાક કાઢ્યા. લસ્સીવાળાની રેંકડીએ લસ્સી પીધા વગર 2 કલાક બેઠા. આખરે ટેક્સી આવી ખરી અને અમને પહોંચાડ્યા. આના કરતા તો જલ્દી હું બેંગ્લોર પહોંચી જતો. કદાચ કેમ્પ પહેલાની અમારી કસોટી હતી. 

પહેલો દિવસ -
અમને હતું કે અમે સૌથી પહેલા પહોંચી જશું પરંતુ અમે સૌથી છેલ્લે હતા. પહોંચતા જ ત્યાં રહેલ ઘેઘુર પીપળો મને આકર્ષી ગયો. ઘેઘુર પીપળો, સામે નદી, એનો ખડખડાટ, પક્ષીઓનો કલરવ!




જમીને થોડી વાર ઉંઘીને સૌને મળ્યા. પહેલી જ એક્ટિવિટીના ભાગ રૂપે તમે કોણ છો એ ભૂલી જઈને તમારે પ્રકૃતિમાંથી કંઈક બની જવાનું હતું. હું દરિયા કિનારો બન્યો! (આમ તો દરિયો બનવું હતું પણ મારા આગળવાળો જ બની ગયો). હવે બધાંની ઓળખાણ પ્રકૃતિ ચિન્હો જ હતા. દરિયો, શંખ, વાદળ, બગલો, ટીટોડી, રણ, પાણી, ઘુવડ, માટી, આત્મા, અગ્નિ, બાવળ, પથ્થર, વૃક્ષ, ઘાસ વગેરે અમે ઘણા હતા. અમે મોડા પહોંચ્યા હોઈ મોટા ભાગના કોઈનું ઓરીજનલ નામ ખબર નહોતી, મારા માટે આ નામો જ બધાની ઓળખાણ, મેં પણ મારુ ઓરિજનલ નામ ભાગ્યે જ કોઈને કહ્યું હશે. આ એક્ટિવિટીથી અમે પ્રકૃતિના અંશ બન્યા! અમારે જે નામ રાખ્યું એની અનુભૂતિ પણ કરવાની હતી. (મારી અનુભૂતિ વિષે પછી પોસ્ટ લખીશ). 



પછી અમે માં નર્મદાના કિનારે ગયા જ્યાં રમતોના ભાગ રૂપે અમે સાંજના સમયે આવતા અલગ અલગ અવાજોને મહેસુસ કર્યા. કહેવાય છે કે દિવસે નર્મદા અને રાત્રે રેવા, એ જ પ્રમાણે સાંજ થતા થતા અમે માં રેવાનો અવાજ મહેસુસ કર્યો. પછી અમારે આંખો બંધ કરીને મૃત્યુનો અનુભવ કરવાનો હતો. આ સૌથી અઘરું છે, તમારે નદીના પટ પર સૂઈને તમારે તમારા જ મૃત્યુનો અનુભવ કરવાનો છે. તમારી આત્મા તમને છોડીને શરીરને જોઈ રહી છે. આ અનુભવ માં નર્મદાના કિનારે  કરો  એટલે દુઃખ કરતા વધારે હળવાશ અનુભવો. કદાચ હું એટલો અંદર ના ઉતરી શક્યો કારણ કે હું જીવી જાણવાનું વધુ પસંદ કરું છું. પરંતુ આ અનુભવ પણ કરવા જેવો ખરો. એ પછી અમે મહાદેવના મંદિરે આવ્યા. ત્યાં સાથે મળીને આરતી કરી. મને આમ તો કોઈ સંગીતના સાધનો વગાડતા નથી આવડતા એટલે મેં ટંકોરી પકડી. પરંતુ ત્યારે અહેસાસ થયો કે ટંકોરી વગાડવી પણ એટલી સહેલી નથી.

રાત્રે કેમ્પ ફાયર ના હોય તો તો માહોલ કેવી રીતે જામે! એક તો પૂનમની રાત અને કેમ્પ ફાયર. જો કે પહેલા વરસાદ જેવું હોય વાદળાઓ છવાઈ ગયા હતા પરંતુ અડધી રાત્રે ચાંદામામાએ અમને દર્શન આપ્યા. કેમ્પ ફાયરમાં કવિતાના પઠન અને ગિટાર સાથેના ગીતો માણતા માણતા ચાઈ પણ આવી. એટલી રાત્રે ચાઈ બનાવી આપવા માટે અને શ્રેષ્ઠ ભોજન પૂરું પાડવા માટે બનાવનાર માટે કોળીએ  કોળીએ આભાર પ્રગટ થતો હતો. અમને હતું કે જમવામાં ત્યાં એડજસ્ટ કરવું પડશે પરંતુ ઘરે આવીને 2 દિવસ એડજસ્ટ કરવું પડ્યું. 




બીજો દિવસ - 
આજે અમારે ટ્રકિંગમાં જવાનું હતું. સવારે બેગ પેક કરી સૌ ચાલતા થયા. મેં આમ તો ઘણા ટ્રેક કર્યા છે એટલે ગમે એટલું ચાલવું પડે તો કઈ ડર નહોતો. અહીં ટ્રેકની વિશેષતા એ હતી કે તમે સાવ કિનારે ઘાસમાં ચાલી શકો, વચ્ચે રેતી પર ચાલી શકો, સાવ નદી કિનારાના પથ્થર પર ચાલી શકો અથવા નદીના છીછરા પાણીમાં પણ ચાલી શકો. ઘણા સમય પછી પથ્થરા અને પાણીમાં ઉઘાડા પગે ચાલ્યો.  માં નર્મદાના ખોળામાં ચાલી રહ્યા હોઈએ ત્યારે એકે મેડિટેશનનો અનુભવ ના થાય તો બધું નકામું! એ પછી અમે સીધી  માં રેવાનાં અંતરમાં ડૂબકી મારી, ખુબ નાહ્યા અને ઘણું પામ્યા! 






સાંજે અમે ફરી શાંત હોળીમાં પાછા ફર્યા, મિત્રોએ ગીતો લલકાર્યા, કોઈએ કવિતાઓ કરી પરંતુ સાવ શાંતિ, એક જ વ્યક્તિ બોલે અને બધા સાંભળે. ધીમે ધીમે સંધ્યા ઢળી રહી હતી, પક્ષીઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, ઉપર ધીમે ધીમે શુક્ર, ગુરુ અને શનિના ગ્રહો દ્રશ્ય થી રહ્યા હતા એનું પ્રતિબિંબ પણ માઁ નર્મદા ઝીલી  રહી હતી અને અમને મોહિત કરી રહી હતી. 




રાતે ફરીથી કેમ્પ ફાયર અમે જ પ્રગટાવ્યો, અને ફરીથી ચાઇની ચુસ્કી સાથે એ મહેફિલ ચાલી. મિત્રો જે જે પ્રકૃતિ ચિન્હો બન્યા હતા અને બે દિવસમાં જે અનુભવ્યું એ શેર કર્યું.  ચર્ચાઓ કરતા કરતા, ગીતો સાંભળતા સાંભળતા રાત ક્યાં વીતી ગઈ ખબર જ ના પડી! 

ત્રીજો દિવસ - 

આજે અડધો દિવસ જ બાકી હતો. પહેલા અમે એક ફાર્મની મુલાકાતે ગયા જ્યાં ઘણા ઔષધીય વૃક્ષો જોયા, અમુક વૃક્ષો જીવનમાં પહેલી વખત જોયા. પછી અમે ફરી થોડું ટ્રેક કરી નાહવા ઉપડ્યા. અહીં નહાવાનો અનુભવ અલગ હતો, થોડું તાણ હતું પરંતુ પાણી છીછરું હતું. થોડી વાર મસ્તી કરી અમે થોડા મિત્રો બાજુના રોડ પર અનસૂયા માતાજીના મંદિર તરફ ચાલ્યા પરંતુ રસ્તો મળે નહીં. કોઈના તુવેરના અને એરંડાના ખેતરમાં આડા પાટે પડ્યા ત્યારે રસ્તો મળ્યો. ત્યાં સરસ મીઠા જામફળ ખાઈને પુસ્તકો અને ફિલ્મોની વાતો કરતા કરતા પાછા ફર્યા.
 


છેલ્લે બધા મળીને કેમ્પના થોડા અનુભવો શેર કર્યા, થોડા ફોટા પાડીને વિદાય થયા. આ વખતે અમારી ટેક્સી ટાઈમે હતી, ટ્રેન પણ પરફેક્ટ ટાઈમે હતી અને અમે રાજકોટ પણ નિર્ધારિત સમયે જ પહોંચી ગયા. કદાચ માં રેવાનાં આશીર્વાદ! 

આ કેમ્પ મારો સૌથી યાદગાર કેમ્પ રહ્યો, આ ત્રણ દિવસમાં જોબ, ઘર કે બીજું કાંઈ એટલું યાદ ના આવ્યું. ખરેખર આયોજકો ચેતનભાઈ, જીતેશભાઇ અને બાપુનો ખુબ ખુબ આભાર જેમને અમને કેમ્પમાં જોડાવાનો મોકો આપ્યો અને અવિષ્મરણીય અનુભવો કરાવ્યા. બીજા મિત્રો જેમને બધાને હસાવ્યા, કવિતાઓ સંભળાવી, વાર્તાઓ સંભળાવી, મદદ કરી, ચૂપ રહ્યા, સરસ ફોટાઓ પાડી  આપ્યા એમનો પણ ખુબ ખુબ આભાર. 

આવા સરસ ફોટો માટે મને ઇન્સ્ટાગ્રામ પર અહીં ક્લિક કરી ફોલો કરી શકો છો. 

બીજા રખડપટ્ટીના અનુભવો - 

6 ટિપ્પણીઓ:

  1. ah! i missed it. want to do Narmada Parikrama or even small yatra one day, soon.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા એક વખત અનુભવ કરવા જેવો..����

      કાઢી નાખો
  2. Thanks for sharing.... nicely written....Who were the organizers.... How to join next trek..../ Camp?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. mane aa camp vishe mahiti mitra Jitesh donga na wall parthi madeli
      https://www.facebook.com/jitesh.donga.18/posts/4559959534063584

      કાઢી નાખો
  3. એક એક વાક્યમાં મજા પડી. એવું લાગ્યું કે જાણે મેં જ આ અનુભવ લીધો 3 દિવસની યાત્રાનો. ખુબ સરસ લખો છો, અંકિતભાઈ. કેવું પડે!

    જવાબ આપોકાઢી નાખો

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.