આસપાસના માણસોની વાતો

માણસોની વાતો -

આજે ફરી સાયકલિંગ કરતો કરતો ન્યારી ડેમ પહોંચ્યો. આજ રવિવાર હોય અને વેકેશનનો છેલ્લો દિવસ હોય, માનવ મહેરામણ ઉમટ્યું હતું. આમ તો મારી પાસે એવી દિવ્ય શક્તિ છે કે હું લોકોની વાતો ઇગ્નોર કરી મારા વિચારો, મારું કામ, પ્રકૃતિમાં ધ્યાન આપી શકું પરંતુ આજે નક્કી કર્યું ચાલો લોકોને પણ સાંભળીએ, લોકોને જોઈએ. માઇક્રો વાર્તાઓ શોધીએ.


બાજુમાં એક યુગલ અને નાનું બાળક આવેલ. એ માછલીને મમરા ખવડાવતા હતા. પતિનું સંપૂર્ણ ધ્યાન બાળકને માછલીનો ડર દૂર કરાવવામાં હતો. એટલે બાળકને લઈને એ સાવ પાણીમાં લઇ ગયો. આ બાજુ પત્નીને મળેલા આ કિંમતી  સમયને ઈન્સ્ટાગ્રામમાં ઇન્વેસ્ટ કરવાનું યોગ્ય સમજ્યું.


એક મોટો પરિવાર જમવાનું લઈને પિકનિક પર આવેલો. એ લોકો થેપલા, ચેવડો અને ઘણું બધું લાવેલા. આજુબાજુમાં 3-4 નાના બાળકો માંગવા આવેલા. એમને એક બહેને એક એક થેપલું આપ્યું. ખુશ થવાને બદલે હજુ કઈક મળશે એ આશાએ ઊભા હતા. પેલા બહેનના મોઢા પર હવે અણગમો દેખાતો હતો અને દૂર જવા કહ્યું પરંતુ તેઓ ઊભા રહ્યા. આખરે એક 17-18 વર્ષની છોકરીએ ઊભા થઈ બધાને અથાણું કે એવું કઈક આપ્યું અને છાસ આપી. પેલા છોકરાઓ ત્યાં નજીકમાં બેસી ખાવા લાગ્યા.


બધાથી પાછળ, પાણીથી દૂર  એક સુંદર યુગલ બેઠું હતું. હું નીકળતો હતો ત્યારે ધ્યાન પડ્યુ. એક કાર ફસાઈ હતી એટલે વાતો સાંભળી. છોકરી કહી રહી હતી ૨ bhk ફ્લેટ લઈએ તો ૩૨માં થઈ જશે. 8 પડ્યા છે, 20 લોન લઈ લેશું, બાકી ગામડે  પૂછી જોશું કેટલા આપશે. એટલે ભાઈએ કહ્યું ફર્નીચરનું પણ જોવું પડશે. આખી જિંદગી લોનનું ટેન્શન રહેશે. બંને જિંદગીનો હિસાબ કરી રહ્યા હતા.

બસ એમ જ દૂર બાળકો પાણીમાં પથ્થરો ફેંકી ટપ્પીઓ પાડી રહ્યા હતા. અમુક થાર અને ફોર્ચ્યુનર લઈ ઓફ રોડિંગનો સંતોષ માની રહ્યા હતા, જ્યાં અલ્ટો પણ આસાનીથી જઈ શકતી હતી. અમુક અવનવા બાઈક લઈને અવનવા અવાજો કાઢી રહ્યા હતા. અમુક વિડિયો કોલ કરીને આ અમૂલ્ય દ્ર્શ્ય કોઈને બતાવી રહ્યા હતા. તો અમુક ફોટાઓ અને પોઝમાં અમૂલ્ય સનસેટ ગુમાવી રહ્યા હતા!!


આવા સરસ ફોટો માટે મને ઇન્સ્ટાગ્રામ પર અહીં ક્લિક કરી ફોલો કરી શકો છો.

બીજા રખડપટ્ટીના અનુભવો - 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.