2021 - શું નવું આવ્યું, શું બદલાયું?

૨૦૨૦ તો કોરોનાને લીધે ખરાબ વર્ષ હતું જ, લોકોને આશા હતી કે ૨૦૨૧માં કૈક સારું થશે. (વાંચો -2020 - શું નવું આવ્યું, શું બદલાયું ?) જો કે અંદરખાને તો બધાને ખબર જ હોય કે આ ફકત કેલેન્ડર બદલાય છે, પરિસ્થિતિ નહિ! ભારત માટે 2020માં કોરોના ઝાંખી હતો, 2021એ સાચી પરિસ્થિતિ બતાવી. આ વર્ષે કોરોના પછી કોઈ શબ્દ હોય તો એ હતો વેક્સીનેશન. ભારતમાં કોવેક્સીન અને કોવિશિલ્ડ અપ્રુવ થઈ. શરૂઆતમાં 60 વર્ષ ઉપરના અને ગવરનમેન્ટ કર્મચારીઓને આપવામાં આવી. ધીમે ધીમે 18 વર્ષ ઉપરના મોટાભાગના લોકોનું વેક્સીનેશન થયું. ભારતમાં વેક્સિનેશન ધારણા કરતા ઘણું ઝડપથી થયું.

2021 - શું નવું આવ્યું, શું બદલાયું?


કોરોના -
પરંતુ જ્યારે હજુ વેક્સીનેશનની શરૂઆત જ થઈ હતી ત્યારે જ ભારતમાં ક્યારેય નાં ભૂલી શકાય એવી કોરોનાની બીજી વેવ આવી. ( વાંચો -કોરોના - સેકન્ડ વેવ - આ વખતે ઊંઘતા ઝડપાયા) બીજી વેવમાં બધી પોલો ખુલી ગઈ. બધા રાજ્યોની સ્થિતિ ભયંકર હતી. હોસ્પિટલની લાઈનો અને ઓક્સિજનની અછતમાં ઘણા નાગરિકો મુત્યુ પામ્યા. આ વેવ ગામડાઓ સુધી પહોંચી અને ગામડાઓમાં પણ ઘણા લોકોએ કોરોનામાં દમ તોડયો. આ સમય અંદરથી હચમચાવી દયે એવો હતો, લગભગ કોઈક ઘર જ કોરોનામાં બાકાત રહી ગયું હશે.

ધીમે ધીમે સ્થિતિ થાળે પડી અને લગભગ નહિવત જેવા કેસ આવવાં માંડ્યા, ધીમે ધીમે માસ્ક અને સેનેટાઈજરનો ઉપયોગ પણ ઘટવા માંડ્યો. વિદેશોમાં નવા નવા વેરિયન્ટ આવતા હતા જેમાં ડેલ્ટા વેરિયન્ટના કેસો વધ્યા હતા પરંતુ ભારતમાં એટલી અસર દેખાય નહોતી. બીજી વેવ પછી ભારતમાં કેરેલા અને મહારાષ્ટ્રને બાદ કરતા ઓવરોલ સ્થિતિ સારી રહી. છેલ્લે ડિસેમ્બરમાં ઓમીક્રોન વેરિયન્ટનો ડર અને કેસ વધી રહ્યા છે.

દેશ વિદેશ પોલિટિક્સ -
  • જાન્યુઆરી 2021માં જોઈ બાઇડન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, ટ્રમ્પ કાળ પૂર્ણ થયો.
  • અમેરિકાએ અફઘાિસ્તાનમાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા, તાલિબાને અફઘાનિસ્તાનને કબજે કર્યું. ફરીથી અફઘાનિસ્તાનમાં અંધકાર યુગનો પ્રારંભ થયો.
  • ભારતમાં બંગાળની ચૂંટણી વિવાદાસ્પદ રહી. કોરોનાની બીજી લહેરની શરૂઆત વખતે રાજકીય પક્ષોએ જનમેદની એકઠી કરી. દીદી અને ભાજપની સારી એવી ટક્કર થઈ, અંતે મમતા બેનરજી ફરીથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા. જોકે ભાજપે બંગાળમાં ૩ સીટ માંથી ૭૭ સીટનો કૂદકો માર્યો. ચૂંટણી પછી બંગાળમાં હિંસા પણ ફાટી નીકળી, ભાજપના કાર્યકર્તાઓને મારવામાં આવ્યા, પક્ષ જોતો રહ્યો! તમિલનાડુ, કેરેલા, આસામની ચૂંટણીઓમાં કાઈ અપસેટ ના થયો.
  • ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એમના નેતૃત્વ હેઠળનું મંત્રીમંડળ બદલાયું. ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા. આવી જ રીતે  ભાજપે કર્ણાટક, ઉત્તરાખંડ અને  આસામમાં મુખ્યમંત્રી બદલાવ્યાં.
  • કોંગ્રેસ શાષિત રાજ્યોમાં પણ આંતરિક વિખવાદો થયા. પંજાબમાં કેપ્ટનઅમરિન્દર સિંઘ  અને નવજ્યોત સિંધુ વચ્ચે ખેંચતાણના પગલે બંનેએ રાજીનામુ આપ્યું. ચરણજિત સિંઘ  પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા. 
  • ગયા વર્ષે શરુ થયેલ ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું, 26 જાન્યુઆરીએ દિલ્લીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર રમખાણો થયા. આંદોલનકારીઓએ લાલ કિલ્લાનો રાષ્ટ્રધ્વજ ઉતારવાની કોશિશ કરી. જો કે ધીમે ધીમે આ આંદોલન શાંત પડ્યું. આખરે સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચ્યા અને આંદોલનનો ઓફિસીયલી અંત આવ્યો.
ઈકોનોમી - 
  • આ વર્ષે ઉનાળામાં આવેલ તોકેટ વાવાજોડા સાથે વરસાદ પછી છેક ગુજરાતમાં ચોમાસુ વરસાદ જન્માષ્ટમી પછી થયો, શરૂઆતમાં વાવણી નિષ્ફળ ગઈ અને પછી પડેલા અતિવરસાદના લીધે મોટાભાગના વિસ્તારોમાં લગભગ ચોમાસુ પાક ધોવાઈ ગયા,  શાકભાજી થોડા મોંઘા રહ્યા. ટામેટા થોડા સમય માટે કિલોએ 100 સુધી પહોંચેલા.
  • પેટ્રોલ અને ડીઝલના ભાવે સદી  ફટકારી. આખરે કેન્દ્ર સરકારે પાંચ રૂપિયા ઘટાડ્યા અને સામે મોટા ભાગના રાજ્યોએ પણ એટલી રાહત આપીને ભાવને બે આંકડામાં રોક્યો. અત્યારે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 94-96 રૂપિયા અને ડીઝલનો ભાવ 88-89 રૂપિયા લીટર છે. 
  •  શેરમાર્કેટમાં આખું વર્ષ તેજી રહી. 47700 પોઇન્ટની આસપાસ શરૂ થયેલી બજારે ઓક્ટોમ્બરમાં 60000ની સપાટી કુદાવી. અત્યારે સેન્સેક્સ 58000પોઇન્ટની આસપાસ છે.
  • ગોલ્ડનાં  ભાવમાં ખાસ કઈ  ફેરફાર ના થયો 51500ની આસપાસ શરુ થયેલ ગોલ્ડ અત્યારે 49800 છે. એવરેજ 24 કેરેટ તોલાનો ભાવ 47-48000 રહ્યો. 
વિજ્ઞાન અને ટેક્નોલોજી 
  • આ વર્ષે લગભગ દરેક મુખ્ય દેશોએ પોત પોતાની કોરોના વેક્સીન બહાર પાડી.
  • ભારતની મોટી ટેક  કમ્પનીઓ ઝોમેટો અને પેટીએમનો આઇપીઓ બહાર પડ્યો. જો કે બંને ફ્લોપ રહ્યા.
  • ભારતના જન્મેલ અને આઈઆઈટી  મુંબઈ પાસઆઉટ પરાગ અગ્રવાલ ટવીટરના સીઈઓ બન્યા. 
  • અમેઝોનના સ્થાપક જેફ બેઝોસે કોઈ પાઇલટ કે સ્પેસશૂટ વગર ત્રણ મીનીટની સ્પેશ યાત્રા કરી. આ ઘટના ભવિષ્યના  સ્પેશ ટુરિઝમ તરફ આંગળી ચીંધે છે. હંમેશા ચર્ચામાં રહેતા ઈલોન મસ્ક પણ આ મિશન પર કામ કરી રહ્યા છે.
  • ક્રિપ્ટોમાં ઉથલ પાથલ રહી. ચાઈનાએ ક્રિપ્ટો માઇનિંગ પર પ્રતિબંધ મુક્યો. ભારતે પણ અમુક કરંસીઓ પર પ્રતિબંધ મુક્યો જો કે હજુ ક્રિપ્ટોના ભાવિ પર ભારતીય સરકાર અને રોકાણકારો મુંજવણમાં જ છે.
બૉલીવુડ - 
  • બોલીવુડમાં ડ્રગનું ભૂત ફરી ધુણ્યું. શાહરુખખાનના પુત્ર આર્યન સહીત સાત લોકોની ડ્રગ કેસમાં ક્રુઝ પાર્ટીમાંથી ધરપકડ થઇ. આ મામલો મીડિયા અને પોલિટિક્સમાં બહુ ચર્ચાયો. 
  • શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્ન એપ મામલે ધરપકડ થઇ. 
  • 2021માં થીયેટર્સ ફરીથી શરુ થયા. અક્ષયની સૂર્યવંશી, સલમાનની રાધે, અભિષેકની બિગબુલ સહીત ઘણી ફિલ્મો રિલીઝ થઇ પરંતુ હજુ સુધી એકેય ફિલ્મ મજા આવી જાય એવી લાગી નહીં. 1983 વર્લ્ડકપ ઉપર બનેલી 83 અને સાઉથની પુષ્પા ફિલ્મ બહુ ચર્ચામાં છે. જો કે મારે હજુ બંને જોવાની બાકી છે. 
  • વેબ સિરીઝમાં અંગ્રેજી અને કોરિયન સીરીઝ ચાલી. હિન્દીમાં ટીવીએફની કોટા ફેક્ટરી - ૨ અને ધ ફેમિલી મેનની બીજી સીઝન આવી. 
  • ગુજરાતીમાં નવા પ્લેટફોર્મ Oહો પર રિલીઝ થયેલી પ્રતીક ગાંધીની  વિઠ્ઠલ તીડી જોવાની મજા આવી. વિજયગીરી બાવાની, રામ મોરી લિખિત 21મું ટિફિનના વખાણ સાંભળ્યા પરંતુ જોવાનું હજુ બાકી છે. 
ક્રિકેટ - 
  • ક્રિકેટમાં ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાયનલમાં પહોંચ્યું. ઈંગ્લેન્ડમાં રમાયેલ ન્યૂઝલેન્ડ સામેની આ ફાઇનલની એકમાત્ર ટેસ્ટ મેચ હાર્યું. જો કે ભારત પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીત્યું.
  • ટી20 વર્લ્ડકપમાં ભારતનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું. પાકિસ્તાન સામે પ્રથમ વખત ભારતનો વર્લ્ડકપમાં પરાજય થયો. ભારત ગ્રુપ મેચોમાંથી જ બહાર ફેંકાયું. 
  • વર્લ્ડકપ હારવાને પગલે ભારતની ટીમમાં ભૂકંપ સર્જાયો. કોહલીએ ટી20 ટીમના કેપ્ટન પદેથી રાજીનામુ આપ્યું, સાથે સાથે વન-ડેની કેપ્ટનપદેથી પણ હાથ ધોવો પડ્યો. રોહિત શર્મા નવો કેપ્ટન બન્યો. આઇપીએલમા પણ કોહલીએ બેંગ્લોરની ટીમના કેપ્ટન પદેથી રાજીનામુ આપ્યું.  
  •  આઈપીલમાં ચેન્નાઇ સુપર કિંગે કોલકાતા નાઈટ રાઈડર્સને ફાઇનલમાં હરાવીને ટાઇટલ જીત્યું. આ વખતે આઇપીએલ બે ભાગમાં રમાઈ, અડધી ભારતમાં અને અડધી દુબઇમાં. 
ઓલમ્પિક્સ - 
  • 2021માં ટોકિયોમાં યોજાયેલ ઓલમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન અત્યાર સુધીનું શ્રેષ્ઠ રહ્યું. બરછી ફેંકમાં નીરજ ચોપરાના  ગોલ્ડ સહીત ભારતે સાત મેડલ જીત્યા (વાંચો - Olympics 2020 - એક ગોલ્ડ પણ ઘણા ગોલ્ડન પરફોર્મન્સ).
  • પેરાલિમ્પિકમાં પણ ભારતનો દેખાવ અત્યાર સુધીનો શ્રેષ્ઠ રહ્યો. પાંચ ગોલ્ડ સહીત ભારતે 19 મેડલ જીત્યા. 
મારા માટે 2021 - 
  • 2021 મારા માટે ખાસ વર્ષ રહ્યું, મારા દીકરા ક્રિયાંશનો જન્મ થયો. આખરે બાપ બનાવની ફીલિંગ્સ  અને જીમ્મેદારીઓનો અહેસાસ થયો.  (વાંચો -ફાધર્સ ડે - પિતાનો જન્મ !! )
  • 2021માં મેં રાજકોટ લાઈબ્રેરીમાં ખાતું ખોલાવ્યું અને ઘણા પુસ્તકો વાંચ્યા. ખાસ કનૈયાલાલ મુન્શી, સ્વામી સચ્ચિદાનંદ, અશ્વિની ભટ્ટ વગેરે. મેં વાંચેલા પુસ્તકોના રીવ્યુ તમને આ બ્લોગમાંથી જ મળી રહેશે ( અહીં ક્લિક કરો).
  • આ વર્ષે સમયસર કસરત કરવાનો બહુ સમય ના મળ્યો પરંતુ ઘણું સાઈકલિંગ કર્યું, 1.5 મહિનો સ્વિમિંગ શીખવા ગયો અને થોડુંઘણું સ્વિમિંગ શીખ્યું.

  •  
  • આખું વર્ષ વર્ક ફ્રોમ હોમ કર્યું. ઘણા વર્ષો  પછી રાજકોટના ઘૂઘરા, દાળપકવાન, દાબેલી, ભૂંગળા બટેટા મન ભરીને ખાધા. વર્ષના અંતે વડોદરા આવી ગયો. 
  • ફરવા જવામાં બે વખત ગીર ફાર્મે ગયો. બાકી રાજકોટની આજુબાજુ ઘણું ફર્યો. છેલ્લે નર્મદા કેમ્પનો ત્રણ દિવસનો અનુભવ જોરદાર રહ્યો.  ( વાંચો -માઁ નર્મદાના ખોળે).
  • આ વર્ષે ફેસબુકની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ રહ્યો. ઇન્સ્ટાગ્રામ પર ઘણી સ્ટોરી, રીલ્સ બનાવી. (ઇન્સ્ટાગ્રામ હેન્ડલ - @ankit_sadariya)
  • મેં મારી પોતાની યુટ્યુબ ચેનલ શરુ કરી જે સોફ્ટવેર ટેસ્ટિંગ અને ઓટોમેશન પર છે. તમે આઇટીમાં આ ફિલ્ડમાં હોય તો સબ્સ્ક્રાઇબ કરી શકો છો. 
બ્લોગ માટે 2021 - 
  • આ વર્ષે આ પોસ્ટ સિવાયની 17 પોસ્ટ્સ લખી, ટોટલ બ્લોગમાં આ વર્ષે 80000 જેટલા વ્યુ આવ્યા. નર્મદા પ્રવાસની પોસ્ટ સૌથી વધુ વંચાણી. 
  • ફેસબુક પેજ "આ સાલી જીંદગી" પર 54100+ ફોલોવર્સ થઇ ગયા, "આ સાલી જીંદગી" ફેસબુક ગ્રુપમાં પણ 7000+ સભ્યો થઇ ગયા. ઇન્સ્ટાગ્રામ પર ઉલટાના ફોલોવર્સ ઘટ્યાને 4500 જેવા રહ્યા. 
  • હજુ આ બ્લોગ ફોલો ના કર્યો હોય તો ફોલો કરો. 
આગલી વાંચવા જેવી પોસ્ટ્સ - 

3 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.